અમદાવાદના આ યુવકે CA ફાઈનલમાં મારી બાજી, 800 માંથી 616 માર્ક્સ સાથે મેળવ્યો પ્રથમ રેન્ક

અમદાવાદના આ યુવકે CA ફાઈનલમાં મારી બાજી, 800 માંથી 616 માર્ક્સ સાથે મેળવ્યો પ્રથમ રેન્ક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા મે, 2023 ની પરીક્ષા માટે CA ફાઈનલ અને ઈન્ટરમીડિયેટના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે CA ફાઈનલ પરીક્ષામાં અમદાવાદના અક્ષય જૈને 800 માંથી 616 માર્ક્સ સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ છે. ત્યારબાદ ચેન્નાઈના કલ્પેશ જૈને 603 માર્ક્સ સાથે બીજો અને પ્રખર વાર્ષ્ણે 574 માર્ક્સ સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે ત્રણેય ટોપર્સે તેમના પ્રથમ પ્રયાસમાં જ તેમની તમામ CA ની પરીક્ષા પાસ કરી છે.

અક્ષયે CPT સાથે AIR 17મો રેન્ક અને ઈન્ટરમીડિયેટમાં AIR 1લો રેન્ક મેળવ્યો છે
અક્ષય રમેશ જૈન સાથે વાત કરતા જણાવ્યું હતુ કે મારા પિતા એક બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે. મારો એક નાનો ભાઈ છે જે એન્જિનિયરિંગ કરે છે. અમે મૂળ રાજસ્થાનના છીએ. પરંતુ મારા જન્મ પહેલાં મારા પિતા કામકાજ માટે અહીં અમદાવાદ આવી વસ્યા. મારા સીપીટી સાથે મેં ઓલ ઈન્ડિયા રેન્ક 17 અને ઈન્ટરમીડિયેટમાં ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે.

ખાસ કરીને જ્યારે તમે રેન્ક મેળવવા માટે અભ્યાસ કર્યો હોય ત્યારે આવો સ્કોર મેળવવો ખરેખર મહાન લાગે છે. ફક્ત CA જ બનવું મારો ધ્યેય નહોતો. હું ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઈન્દોરમાં મેનેજમેન્ટમાં પાંચ વર્ષનો ઈન્ટીગ્રેટેડ પ્રોગ્રામ કરવા ઈચ્છતો હતો. પરંતુ તૈયારી અને સમયના અભાવે હું IPMAT માં સારો સ્કોર કરી શક્યો નહીં. ત્યારે મારા એક કાકા કે જેઓ સીએ છે. તેમણે મને પ્રેરિત કર્યો.

જ્યારથી CA નો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી મારું હૃદય અને આત્મા એક કરી નાખ્યા
મેં ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી તેમની વાતને માની અને ICAI કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ (CPT) તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો. જ્યારથી મેં CA નો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી મેં મારું હૃદય અને આત્માને તેમાં જોડી દીધા. CA ની પરીક્ષામાં પ્રથમ રેન્કનું અનુમાન લગાવવું મુશ્કેલ હતું. પરંતુ મેં પ્રથમ રેન્ક મેળવવા માટે મેં તનતોડ મહેનત કરી છે.

આગળ હું શું કરીશ તે મેં વિચાર્યું નહોતુ. પરંતુ હવે પરિણામો જાહેર થયા પછી હું આગામી 10 થી 15 દિવસમાં મારા ઓપ્શન પ્રમાણે કન્સલ્ટિંગમાં આગળ વધીશ. હાલમાં હું પ્રેક્ટિસ શરૂ કરવા માંગતો નથી. પરંતુ હું ખાનગી કંપની સાથે કામ કરવા માંગુ છું. CA પરીક્ષામાં રેન્ક મેળવવા માટે તમારે બંને ગ્રુપ માટે એકસાથે હાજર રહેવું જરૂરી છે. સાથે તમને તમારી આર્ટિકલશિપમાંથી માત્ર 4 મહિનાની તૈયારી કરવા રજા મળે છે.

મેં એપ્રિલ 2020 માં અમદાવાદમાં જીકે ચોક્સી સાથે મારી આર્ટિકલશિપ શરૂ કરી હતી અને ત્યાં લગભગ દોઢ વર્ષ કામ કર્યું. પછી મેં હૈદરાબાદમાં HDFC માં સ્વિચ કર્યું. 4 મહિનાની તૈયારીની રજા દરમિયાન મેં અઠવાડિયા દરમિયાન દિવસમાં લગભગ 12 થી 13 કલાક અભ્યાસ કરતો હતો. જેમાં દર અઠવાડિયે એક વિષય લઈ તૈયાર કરી સપ્તાહના અંતે મોક ટેસ્ટ આપતો. એકવાર વિષય પૂર્ણ થઈ ગયા પછી તેનું રિવિઝન કરતો. તથા માઈન્ડ ફ્રેશ રાખવા મૂવી જોતો અથવા સંગીત સાંભળતો. મને સ્ટેન્ડ-અપ કોમેડી વીડિયો જોવું ખૂબ ગમે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *