અમદાવાદની રુવાડા ઉભા કરી દેનાર ઘટના…લફરાબાજ પતિએ 4 માસની દીકરીને માતાથી દૂર કરી..પત્નીએ વિરહમાં મોતને વ્હાલું કર્યું…જાણો સમગ્ર મામલો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હોટલ બિઝનેસ કરતા એક ભાઈએ તેની બહેનનાં લગ્ન કરાવ્યાં હતાં. જમાઈને સેટ કરવા માટે પોતાની હોટલમાં નોકરી પર રાખ્યો હતો. જમાઈ પોતે પોતાની પત્ની પાસે કામ કરાવીને રૂપિયા કમાવવા માગતો હતો. એટલું જ નહીં, જેવી પત્ની ગર્ભવતી થઈ કે તરત જ તેણે અન્ય યુવતીઓ સાથે પ્રેમપ્રકરણ શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ચેટ પણ પત્નીએ પકડી લીધી હતી. થોડા દિવસ બાદ ગર્ભવતી પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. પતિ બાળકીને માતાથી દૂર કરીને તેના વતન મૂકી આવ્યો હતો. ચાર મહિનાની બાળકીથી દૂર રહેલી માતા રોજેરોજ મરતી હતી. આખરે પતિના ત્રાસથી કંટાળીને અને પોતાની દીકરીના વિરહમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે હાલ પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
હોટલિયરે બહેનને સુખી કરવા બનેવીને મેનેજર બનાવ્યો
મૂળ હરિયાણાના મનોજકુમાર જાટ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટલનો બિઝનેસ કરે છે. તેમની ત્રણ બહેનોમાં વચ્ચેની બહેન અનુના લગ્ન સમાજના જ રીતરિવાજ પ્રમાણે રજત હુડા સાથે થયાં હતાં. લગ્ન બાદ રજત અને અનુ પોતાના વતનમાં થોડાક મહિના રહ્યાં બાદ અમદાવાદ આવ્યાં હતાં. પોતાની બહેન અમદાવાદમાં સુખી રહે અને તેને કોઈ તકલીફ ન પડે એ માટે ભાઈએ જીજાજીને પોતાની હોટલમાં મેનેજર તરીકે નોકરીએ રાખ્યો હતો.
પતિ-પત્નીના ઝઘડા બાદ 3 મહિનાથી કોઈ વિવાદ ન હતો
થોડા દિવસ બાદ પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થતા અને તેના ભાઈને આ અંગે જાણ કરી હતી. પરંતુ ભાઈએ કહ્યું, પતિ-પત્ની વચ્ચે તો આવું બધું ચાલ્યા કરે. આ વાત અનુના ભાઈએ તેના જીજાજીને સમજાવી કે મારી બહેન માટે મેં તમને અહીં સેટ કર્યા અને દરેક વસ્તુ આપી છે. તેમ છતાં તમે મારી બહેનને કેમ હેરાન કરો છો, તો જીજાજીએ કહ્યું, હવે તમને હું કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. ત્યાર બાદ બે-ત્રણ મહિના સુધી કોઈ વિવાદ થયો નહીં.
પત્ની ગર્ભવતી થઈ ત્યારે પતિએ અન્ય યુવતીઓ સાથે મિત્રતા કેળવી
જે સમયે અનુ ગર્ભવતી થઈ હતી. એ સમયે તેનો પતિ રજત અન્ય યુવતીઓ સાથે મિત્રતા કેળવી ચેટ કરતો હતો અને તેની સાથે રિલેશનમાં હતો. આ બધી વાત અનુને ખબર પડી અને તેના સ્ક્રીનશોટ પણ મેળવી લીધા હતા. એ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ વાત સામે આવ્યા બાદ રજત અનુ પર હાથ ઉગામતો હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન અનુને જ્યારે રજત મારતો હતો તેનું રેકોર્ડિંગ પણ એનુએ કરી લીધું હતું, જે વાત અનુએ તેના ભાઈને કહી હતી.
પતિ નોકરી કરવા પત્ની પર દબાણ કરતો
થોડા દિવસ બાદ અન્ય બાળકીને જન્મ આપ્યો, જેનું નામ અનાયા રાખ્યું હતું. બાળકીના જન્મ બાદ પણ રજતની આ હરકત ચાલુ રહી હતી. એટલે અનુ પોતાની બાળકી માટે બધું સહન કરતી હતી. અનુને ચાર મહિનાની બાળકી હતી, એ સમયે રજત તેને નોકરી કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ હજી બાળકી નાની હોવાથી તેણે નોકરી કરવાની ના પાડી. એટલે રજત જબરદસ્તી ચાર મહિનાની બાળકીને તેની માતા પાસે વતનમાં મૂકી આવ્યો હતો, જેથી અનુ તેની બાળકી વગર સતત પરેશાન થતી હતી અને રોજ રોતી હતી. આ બધાની વચ્ચે પોતાની બાળકી ન મળી શકતાં અનુ માનસિક હતાશામાં જતી રહી હતી.
પતિએ પત્ની માટે નોકરી શોધી લીધી
આ બધાની વચ્ચે રજત અનુ માટે નોકરી શોધતો હતો, જેથી તેના માટે નોકરી પણ શોધી નાખી હતી. પરંતુ બાળકી વગરની માતા રોજેરોજ પિસાતી હતી, જેથી તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે અનુના ભાઈએ તેની બહેનને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરનાર બનેવી સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે નારોલ પોલીસે હાલ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.