અંગદાન એ જ મહાદાન… અમદાવાદની 38 વર્ષની મહિલાનું હૃદય 50 વર્ષની વૃદ્ધ મહિલામાં ધબકશે… મહિલાનું બ્રેઈનડેડ થતા પરિવારે 24 કલાકમાં અંગદાન કરી માનવતા મહેકાવી…

આજકાલ સોશિયલ મીડિયા પર અંગદાનના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે, આવો જ એક કિસ્સો અમદાવાદ માંથી સામે આવ્યો છે. અંગદાન એ મહાદાન છે, મૃત્યુ થઈ ગયા બાદ તેના અંગો જો બીજી વ્યક્તિને નવજીવન આપે તો તેનાથી મોટું સુખ હોતું નથી. આ વાતને સાર્થક કરતા અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારે સમજી અને 38 વર્ષની ઉંમરમાં બ્રેઈન્ડેડ થયેલ મહિલાના શરીરના અંગોનું દાન કર્યું છે.
શહેરના એસ.જી હાઇવે પર આવેલી ખાનગી હોસ્પિટલમાં પરિવારે હૃદય, લીવર, બે કિડની અને બે આંખો નું અંગદાન કરીને અન્ય કેટલાક લોકોના જીવનમાં ઉજાસ પાથરીને સમાજને અંગદાન નું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્રેઈન્ડેડ થયાના 24 કલાકમાં જ મહિલાના હૃદયને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ 50 વર્ષીય મહિલા ને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા રાજધાની બંગલોઝમાં રહેતા જયદીપભાઇ ઠક્કર જે પોતે વ્યવસાય વકીલ છે. તે ગત શુક્રવારે રાત્રે ઘરમાં બેઠા હતા ત્યારે અચાનક જ તેમના પત્ની વિધિબેનને બ્રેઇનસ્ટોક આવ્યો હતો.
તેમને ચક્કર આવ્યા બાદ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા, વોમિટિંગ શરૂ થતા જ તેઓને તાત્કાલિક 108 માં સારવાર માટે મણીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એસ.જી હાઈવે ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પાંચ દિવસની સારવાર બાદ પણ તેઓનો જીવ બચી શક્યો ન હતો અને તેઓને બ્રેઈન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ખાનગી હોસ્પિટલ ના ડોક્ટરોએ તેઓનું કાઉન્સેલિંગ દ્વારા અંગદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમનો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે છે. તે વિશે સમજાવવામાં આવ્યું હતું, જેથી પરિવારના લોકોએ ભેગા મળીને અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના હિતાર્થે અંગદાન માટે સહમતિ દર્શાવી હતી. જયદીપભાઇના પરિવાર એ સંમતિ આપતા અંગદાનમાં સૌથી મહત્વનું અને દુર્લભ કહી શકાય તેવું હૃદય સહિત લીવર, બે કિડની અને બે આંખો નું દાન કરવામાં આવ્યું હતું.
જયદીપભાઇ ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે શુક્રવારે રાત્રે મારી પત્નીને બ્રેઈનસ્ટોક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાંચ દિવસની સારવાર બાદ ડોક્ટરોએ તેને બ્રેઈન્ડેડ જાહેર કરી હતી, સ્વજન તો ગુમાવી દીધું છે. પરંતુ તેના અંગોથી જો કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળી શકતું હોય તો તેનાથી વધુ સારું કંઈ ન હોઈ શકે. તેમણે પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પત્નીના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.
મારી પત્ની નો સ્વભાવ પણ અન્ય વ્યક્તિઓને મદદ કરવાનો વધુ રહેતો હતો, જેના કારણે તે વિચારીને અમે આ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે અંગદાન કરવાનો નિર્ણય લીધા બાદ અંગોમાંથી 50 વર્ષીય એક મહિલાને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટ ની જરૂરિયાત હોવાથી વીધીબેન નું હાર્ટ યુ.એન.મહેતા હોસ્પિટલમાં આપવામાં આવ્યું હતું. 24 કલાકમાં જ મહિલાના અંગદાન થી અન્ય મહિલાને નવજીવન મળ્યું હતું.