સુરત બાગેશ્વર બાબા ફરી આવશે સુરત : 11 જુને એક લગ્નપ્રસંગમાં આપશે હાજરી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી સુરતમા આવશે. સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 11 જૂનના રોજ સુરત આવશે. તે સિવાય જગતગુરુ રામભદ્રાચાર્ય પણ 10 જૂને સુરત આવશે. જગતગુરુ રામભદ્રાચાર્ય અને ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં એક સાથે લગ્નમાં હાજરી આપશે
મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ફરી એકવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ભક્તોમાં ખુશીનો માહોલ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂનના રોજ રાત્રે સુરત આવશે અને 11 જૂનના રોજ તેઓ એક લગ્નમાં હાજરી આપશે. જોકે, તે એક દિવસ અગાઉ એટલે કે 10 જૂને જગતગુરુ રામભદ્રાચાર્ય પણ સુરત આવવાના છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જગતગુરુ રામભદ્રાચાર્ય ખૂબ પ્રખ્યાત કથાકાર છે. સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાશે. જેમાં સુરત શહેર, દક્ષિણ ગુજરાતના હજારો લોકો હાજર રહેશે. ત્યારબાદ તેઓ સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવન ખાતે પણ સંવાદ કરશે. જ્યાં રામચરિત માનસ સહિતની વાતો ભાવિક ભક્તો સાથે કરશે.
ગુરુ રામભદ્રાચાર્ય જી મહારાજ અને તેમના શિષ્ય બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જગતગુરુ શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજના ઉત્તરાધિકારીના મોટા ભાઈ શિવમ મિશ્રાના લગ્નમાં આશીર્વાદ આપવા સુરત આવવાના છે. શુભ પ્રસંગ પૂર્વે ઉધના તેરાપંથ ભવનમાં જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજની કથાનું આયોજન ‘ધર્મ સંવાદ’ નામે કરવામાં આવ્યું છે, જેનું સંચાલન જાણીતા એડવોકેટ અને સામાજિક આગેવાન વિનય શુક્લા કરશે.
નોંધનીય છે કે ગુજરાતમા સૌ પ્રથમવાર સુરત શહેરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થયું હતું જેમાં લાખોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સુરત બાદ વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરાયું હતુ.