મા-બાપે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરી, મરણમૂડીથી ખરીદેલી ટ્રક દવા માટે વેચવી પડી, પછી આવી રીતે મળી પોણા ત્રણ લાખના પગારની નોકરી

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂર મા-બાપના દીકરાના સંઘર્ષની આ વાત છે. આર્થિક પરિસ્થિતિ એવી હતી કે 46 વર્ષ પહેલાં એક ઝાડ નીચે જન્મ થયો હતો. કિશોરાવસ્થામાં જ ટ્રકના ખલાસી તરીકે નોકરી કરી, પછી ડ્રાઈવર તરીકે કામ કર્યું. પરંતુ કિસ્મતનું પાંદડુ એવું હટ્યું કે સાતમું ધોરણ ફેઈલ આ વ્યક્તિ આજે ઇન્ટરનેશલ કંપનીના ડાયરેકટર છે અને ભલભલાં એન્જિનિયર અને MBA ભણેલા લોકોને આદેશ આપે છે. પોતે પોણા ત્રણ લાખ રૂપિયાનો પગાર પાડે છે. કરોડોના આલિશાન બંગલામાં રહે છે અને પરિવાર ચાંદીના વાસણોમાં જમે છે, આવી છે જાહોજલાલી!
દિવ્ય ભાસ્કરના આજના ખાસ રિપોર્ટમાં વાત નરેશભાઈ પ્રજાપતિ નામના એક એવા વ્યક્તિની જેને સપના જેવી સફળતા માત્ર બે-ચાર દિવસમાં નથી મળી. જીવનમાં ઘણો સંઘર્ષ વેઠ્યો, એક બાદ એક ત્રણ ઘટનાઓ એવી બની, જેણે આખું જીવન બદલી નાખ્યું અને અંતે સુખનો સૂરજ ઉગ્યો.
બાળપણમાં આવું રહ્યું સંઘર્ષ
નરેશભાઈ પ્રજાપતિનું મૂળ વતન અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલુ અડવારા ગામ છે. પરંતુ વર્ષો પહેલા તેમના માતા અને પિતા બે ટંકના ભોજન માટે વતન છોડીને અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા. નરેશભાઇ નાગજીભાઇ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું હાલમાં અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા સ્કાય સિટીમાં રહું છું. છેલ્લાં 12 વર્ષથી હું હસ્તી પેટ્રોકેમિકલ્સ એન્ડ શીપીંગ લિમીટેડમાં લાયઝનિંગ ડાયરેક્ટર તરીકે નોકરી કરું છું.
આ જ કંપનીમાં પહેલાં હું પરચેઝ મેનેજર હતો. મારા માતા- પિતા ઈંટો પાડવાનું કામ કરતાં હતા. આવા જ એક ઈંટોના ભઠ્ઠા પાસે વર્ષ 1977માં મારો જન્મ એક ઝાડ નીચે થયો હતો. હાલ મારી ઉંમર 46 વર્ષ છે. મારા જન્મથી જ જાણે સંઘર્ષ મારા નસીબમાં લખાયો હતો. મારી ઉંમર જ્યારે માત્ર 9 વર્ષની હતી ત્યારે મેં માતાને ગુમાવી દીધા હતા. એ સમયે તો એવું લાગી રહ્યું હતું કે જાણે અમારું જીવન જ સમાપ્ત થઈ ગયું! માતાના મૃત્યુના આઘાતમાંથી માંડ બહાર આવી શક્યા. પરંતુ દુર્ભાગ્ય અમારો પીછો કરતો જ રહ્યો. જ્યારે હું 14 વર્ષનો થયો ત્યારે મેં માથા પરથી પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી. નાની ઉંમરમાં ઘરની સઘળી જવાબદારી માથે આવી પડી હતી.
સાતમાં ધોરણમાં ફેઈલ થયા બાદ શું થયું?
નરેશભાઈ પ્રજાપતિએ પોતાની કિશોરાવસ્થા સમયના પડકારો અંગે જાણકારી આપતા કહ્યું, ‘ઘરની નબળી આર્થિક પરિસ્થિતના કારણે માંડ હું છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો હતો. સાતમાં ધોરણમાં હું નાપાસ થયો એટલે મેં ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ મેં અમારુ ગુજરાત ચલાવવા માટે બોટાદમાં હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું. એ સમયે મને મહિને 1500 રૂપિયા મળી રહેતા હતા. મને એ કામમાં ખાસ ફાવટ ન આવી અને મન પણ ન લાગ્યું એટલે બે વર્ષ બાદ આ નોકરી છોડી દીધી. નવી નોકરીની શોધમાં મને ટ્રકમાં ખલાસી તરીકેનું કામ મળ્યું હતું. અમે ગુજરાત તેમજ ગુજરાત બહાર દિવસના સેંકડો કિલોમીટર સુધી ટ્રક લઈને જતા હતા. આ કામ દરમિયાન જ મને ડ્રાઇવિંગ કરતા આવડી ગયું હતું.’
જીવનમાં બે પાંદડે થવાની આશાએ નરેશભાઈ પ્રજાપતિએ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ ગુજરાતના વિવિધ શહેરોથી હૈદરાબાદ, બેંગાલુરુ સુધી માલ-સામાનની હેરફેર કરતા હતા. આ દરમિયાન વર્ષ 2001માં રાજકોટમાં તેમના લગ્ન થયા. હવે જીવનની ગાડી પાટા પર આવવા તો લાગી પરંતુ કલ્પના પણ ન કરી હોય એવો એક ભયંકર અકસ્માત જીવનના તમામ સપનાઓને તોડવા માટે આડે આવી ગયો.
ટ્રક પર લાગ્યો 11000 વોલ્ટનો ઝટકો
નરેશભાઈએ તેમના જીવનના સૌથી નાજુક દિવસને યાદ કરતા કહ્યું, ‘લગ્ન પછી મારા જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. મેં મારી મરણ મૂડીના રૂપિયાથી એક ટ્રક પણ ખરીદી હતી. એક દિવસ હું સાણંદ ખાતે ટ્રક પર માલ-સામન બાંધી રહ્યો હતો. જ્યાં ટ્રક ઉભી હતી ત્યાં ઉપર 11000 વોલ્ટની હાઈ ટેન્શન વીજ લાઈન પસાર થઈ રહી હતી. ભૂલથી હું તારને સ્પર્શી ગયો તો એટલો જબરજસ્ત વીજળીનો ઝટકો લાગ્યો કે હું છેક ટ્રક ઉપરથી નીચે પટકાયો. મારું શરીર સુષુપ્ત હાલમાં આવી ગયું.’
નરેશભાઈને લાગેલો ઇલેક્ટ્રિક શોક એટલો ભયંકર હતો કે તેમને બચાવવા દોડી આવેલા લોકોએ જણાવે છે કે નરેશભાઈને વીજ કરંટ ત્રણ વાર પોતાની તરફ ખેંચી ગયો. જેના કારણે તેમના પગનું ઘણું માંસ બળી ગયું. કરંટ લાગવાની ઘટના બાદ ઊંઘ આવતી જ નથી. 24 કલાકમાંથી માંડ 3થી 4 કલાક જ ઉંઘી શકાય છે.
‘કરંટ લાગ્યો હોવાથી મારા હાથ પર જ મોબાઈલ ચાર્જ થઈ જતો’
નરેશભાઈને અત્યંત નાજુક હાલતમાં અમદાવાદની જ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતો જોઈને ડૉક્ટરે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા ભલામણ કરી. એટલે પરિવારે તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એ સમયે નરેશભાઈના 17 જેટલા ઓપરેશન થયા. શરીરમાં કરંટનો પ્રભાવ એટલો હતો કે લોકો એક કંપનીનો મોબાઇલ તેમના હાથમાં મૂકી જતાં હતા અને તે ચાર્જ થઇ જતો હતો તેવું નરેશભાઇ જણાવ્યું હતું.
ડૉક્ટરની મહેનત અને કુદરતના ચમત્કારના કારણે 3 મહિના બાદ નરેશભાઈ કોમામાંથી બહાર આવ્યા અને જીવનદાન મળ્યો. પરંતુ આર્થિક પડકારો હજુ પણ એના એ જ હતા. નરેશભાઈ જ્યારે સભાન અવસ્થામાં આવ્યા ત્યારે પરિવારના સભ્યોને કહ્યું, મારા ખાતામાં દોઢ લાખ રૂપિયા પડ્યા છે, તેનાથી તમે હોસ્પિટલનું બિલ ચુકવી દો. ત્યારે જાણ થઈ કે દવા પાછળ એ રૂપિયા પહેલા જ વપરાઈ ગયા હતા અને હજુ પણ બીજા રૂપિયા હોસ્પિટલને આપવાના બાકી હતી.
લોકોએ આપેલા રૂપિયાની ઘર ચાલ્યું
નરેશભાઈ પ્રજાપતિએ એક પ્રશ્નના જવાબમાં ગળગળા સ્વરે કહ્યું કે, હું હોસ્પિટલના ખાટલામાં હતો ત્યારે પરિસ્થિતિ અત્યંત નાજુક હતી. ઘરમાં પૈસા જ ન હતા. ગામડાના કોઇ મહેમાન ઘરે ખબર કાઢવા આવે ત્યારે 50, 100 રૂપિયા આપવાનો રિવાજ હતો. તેમાંથી જ મારી પત્ની ઘર ચલાવતી હતી. તેવું મને પછીથી ખબર પડી હતી. ત્યારે કોઇની પાસે પૈસા ન હતા. દવાના પણ પૈસા ન હતા. મારો અકસ્માત થયો ત્યારે મારો દિકરો 2 વર્ષનો હતો અને દિકરી દોઢ મહિનાની હતી. અમે સંયુક્ત પરિવારમાં જ સરખેજમાં ઉજાલા હોટલ સામે ભાઇઓ સાથે રહેતાં હતા.
જ્યારે પોલીસ અધિકારીઓએ આવીને હોસ્પિટલનું બિલ ભરી દીધું
સારવાર તો મળી, પરંતુ તેમનો પરિવાર ખાનગી હોસ્પિટલની મોટી ફી ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. એ સમયે 17 લાખ રૂપિયા દેવું પણ થઈ ચુક્યું હતું. આખરે જે ટ્રકથી ગુજરાન ચાલતું હતું એ ટ્રકને વેચીને નરેશભાઈની સારવાર માટેના રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. છતાં પણ કેટલાક રૂપિયા ખૂટ્યા જેની વ્યવસ્થા કેવી રીતે થઈ એ કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. થોડા રૂપિયા ખૂટ્યા તો બીજા દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા અને સસરાએ મદદ કરી છતાં પણ હોસ્પિટલનું બિલ સંપૂર્ણપણે ચૂકવી શકયા ન હતા. પરંતુ આ રૂપિયાની ચૂકવણીનો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે.
આ વાત વર્ષ 2002ની છે, જ્યારે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે નરેશભાઈ પ્રજાપતિ રાત-દિવસ ફરજ બજાવતા પોલીસકર્મીઓને નિઃસ્વાર્થપણે ભોજન કરાવતા. નરેશભાઈ જણાવે છે કે, ‘હું એ સમયે કાંઈ કમાતો ન હતો, એટલે હું ઉછીના કે વ્યાજે રૂપિયા લઈને પોલીસકર્મીઓને જમાડતો હતો.’
નરેશભાઈને ઈલેક્ટ્રીક શોક લાગ્યો હોવાની અને રૂપિયાની તંગી હોવાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થઈ એટલે તેમણે 3 લાખ રૂપિયા ભેગા કર્યા અને હોસ્પિટલમાં જેટલું બિલ બાકી હતું, તે ભરીને ઋણ ચુકવી માનવતા મહેકાવી હતી. એ પછી પણ નરેશભાઈ હિંમત ન હાર્યા. નરેશભાઈ પ્રજાપતિને નિવૃત્ત અધિક પોલીસ અધિક્ષક ડી.જી.વાઘેલા, નિવૃત્ત મદદનીશ પોલીસ કમિશનર દીપકભાઈ વ્યાસ જેવા અધિકારીઓનો આભાર માનીને તેમણે ફરીથી નવું જીવન શરૂ કરવાનો સંકલ્પ કર્યો અને ઠપ્પ થઈ ગયેલા ટ્રાન્સપોર્ટ વ્યવસાયને ધીમે-ધીમે ફરી આગળ ધપાવ્યો.
એકલા હાથે 22 ટ્રકના માલિક બન્યા, છતાં ડ્રાઈવિંગ કરતા
આ વખતે ફરીથી નરેશભાઈ પ્રજાપતિએ જીવનમાં આવતા પડકારો સામે બાથ ભરી. દિવસ-રાત જોયા વિના સખત પરિશ્રમ આદર્યો તો આ વખતે નસીબે પણ સાથ આપ્યો. ટ્રાન્સપોર્ટનો ધંધો સફળતાથી આગળ વધવા લાગ્યો હતો. થોડા વર્ષોમાં તેમની મહેનત રંગ લાવી. નરેશભાઈએ 22 ટ્રકની સાથે ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી.
એ સમયે પોતે પણ એક ટ્રક ચલાવતા અને બાકીની ટ્રકો માટે ક્યાંથી ઓર્ડર મળશે, ક્યાંથી માલ ઉપાડશે અને ક્યાં મોકલવાનું છે આ બધી વ્યવસ્થાઓથી લઈને મેન્ટેનન્સ સુધીનું કામ પોતે જ સંભાળતા હતા. પરંતુ કિસ્મતને હજુ તો કોઈ બીજું જ મંજુર હતું.
ધંધો જામી ગયો હતો તો પણ નોકરી કેમ સ્વિકારી?
એક દિવસ નરેશભાઈ તેમના પોલીસ અધિકારી મિત્રને ત્યાં ગયા હતા. ત્યારે તેમની મુલાકાત હસ્તી પેટ્રોકેમિકલ એન્ડ શિપિંગ લિમિટેડના ડાયરેક્ટર રુચિર રમેશભાઈ પરીખ સાથે થઈ હતી. એ સમયે રુચિર પરીખને તેમના વિશાળ ટ્રાન્સપોર્ટ બિઝનેસ માટે મહેનતુ અને ભરોસાપાત્ર વ્યક્તિની જરૂર હતી. તેમણે નરેશભાઇને નોકરીની ઓફર કરી હતી.
તેના બદલામાં શરૂઆતમાં 10 હજાર પગાર આપવાની વાત કરી હતી. નોંધવા જેવી વાત એ પણ છે કે જે તે સમયે નરેશભાઈને પોતાના ટ્રાન્સપોર્ટ બિઝનેસ મારફતે મહિને બેથી અઢી લાખની આવક થતી હતી. છતાં નરેશભાઇએ રોજ ઓફિસ ગયા વગર જ ફોન પર જ કામ કરવાનું હોવાથી ઓફર ઠુકરાવવાને બદલે રુચિર પરીખની વાત સ્વિકારી લીધી હતી.
નરેશભાઈ જણાવે છે કે, ‘રુચિરભાઈએ મારી મહેનત અને ધગશ જોઈને પગારમાં તબક્કાવાર વધારો કરીને 40 હજાર કરી દીધો હતો. ત્યાર પછી હું કંપનીમાં જતો થયો હતો. પહેલાં હું ફોન પર જ કામ કરતો હતો. ત્યાર બાદ જીવન એક નવા જ પાટે ચડ્યું.’ નરેશભાઇ કંપનીના પરચેઝ મેનેજરથી માંડીને આજે કંપનીના લાયઝનિંગ ડાયરેકટર સુધીની મજલ કાપી ચુક્યા છે.
કંપનીના માલિકની ખરી ઓળખ તો 3 વર્ષે થઈ!
નરેશભાઇ તેમની વાત આગળ ધપાવતાં કહે છે કે, ‘જ્યારે રુચિરભાઇ પરીખે મારી સાથે કામ વિશે વાત કરી ત્યારે મને ખબર ન હતી કે તે આટલી મોટી કંપનીના માલિક છે. તેમના સરળ સ્વભાવે મને તેમના માટે કામ કરવાની પ્રેરણા આપી. 6 મહિના સુધી તેમણે મને કામની તાલીમ આપી. તેમણે મને ખૂબ મદદ કરી. તે પોતે એક કર્મચારીની જેમ કામ કરતા હતા. મને 3 વર્ષ પછી ખબર પડી કે તેઓ આટલી મોટી કંપનીના માલિક છે.’
પોણા ત્રણ લાખ પગાર બદલ નરેશભાઈનો કંપનીમાં રોલ શું છે?
નરેશભાઈએ વધુમાં કહ્યું, ‘અમારી કંપની એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ધંધો કરે છે. કંપનીની 1200 ટ્રક અને 16 ટ્રેન છે. તાજેતરમાં જ કંપનીએ 44 કરોડના ખર્ચે બે ટ્રેનની ખરીદી કરી છે. કંપનીની ટ્રકોના મેન્ટેનન્સ, મશીનરીની ખરીદી અને બીજા ઘણા મહત્વનું કામકાજ મારે કરવાના હોય છે.’ આજે નરેશભાઈ લાયઝનિંગ ડાયરેક્ટર છે. તેમના હાથ નીચે ઘણા એન્જિનિયર અને MBA થયેલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ બધું તેમના અનુભવ, કાર્યક્ષમતા અને મહેનતના આધારે શક્ય બન્યું હતું.
નરેશભાઈ પ્રજાપતિને પોણા ત્રણ લાખ રૂપિયા મહિનાનો પગાર મળે છે. તેમની પાસે આજે કંપનીએ આપેલી મર્સિડીઝ કાર છે અને આલીશાન ફલેટ પણ છે. નરેશભાઈ કહે છે, ‘હું આજે પણ ભૂતકાળ ભૂલ્યો નથી. હું ડ્રાઇવર હતો તે વાત દરેક ક્ષણે યાદ રહે છે. હું અને મારા શેઠ સાથે બહાર ગામ જવાના હોઈએ તો આજે પણ હું ગાડી ચલાવવા બેસી જઉં છું.’
વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓને નરેશભાઈ પ્રજાપતિની સલાહ
હતાશા કે નિરાશ થઇને જીવન ટૂંકાવી દેતાં વિદ્યાર્થીઓ, યુવાનો, નવા વ્યવસાયીઓએ નરેશભાઇ પોતાના અનુભવના આધારે શિખામણ આપતા કહે છે કે, ‘જીવનમાં ઢીલા પડવાથી કાંઈ થતું નથી. ઝેર પીને પણ જિંદગીમાં કશું થવાનું નથી. હું તો ત્રણ વખત ફેઈલ થયો છું. મહેનત જ સફળતાની ચાવી છે. મહેનત વગર કશું મળતું નથી.
મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું આવી રીતે સફળતાની ટોચ પર પહોંચીશ. એક સમય હતો કે અમારી પાસે બે ટંક ભોજનના પણ રૂપિયા ન હતા. જ્યારે આજે અમે સપરિવાર ચાંદીના વાસણમાં જમીએ છીએ. હું જીવનમાં એવું ક્યારેય માનતો નથી કે કોઈ મને સલામ મારે. કંપનીએ મને મોંઘી ગાડી આપી છે પણ હું કોઇને ડ્રાઇવર રાખતો નથી. હું પોતે જ ડ્રાઇવર છું. જાતે જ ડ્રાઇવિંગ કરું છું. કંપની કહે છે તો પણ હું ડ્રાઇવર રાખવાની ના પાડું છું. ખોટાં શું કામ પૈસા બગાડવા? આપણે જે છીએ એ થોડું ભૂલાય?
ભામાશા તરીકે કેમ ઓળખાય છે નરેશભાઈ પ્રજાપતિ?
સફળતાના શિખર સર કર્યા પછી નરેશભાઈ પ્રજાપતિ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોરોનાના કપરા કાળ દરમિયાન જ્યારે દેશભરમાં લોકડાઉન હતું ત્યારે ગરીબ પરિવારોની મદદ માટે નરેશભાઈ સામે આવ્યા હતા. આશરે 50 લાખ રૂપિયાની કિટ વહેંચી હતી. એ સમયે અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં ગરીબ પરિવારોને રાશનની કિટ ઘરે-ઘરે પહોંચાડી મદદરૂપ થયા હતા.
ગરીબ દીકરીઓના શિક્ષણ માટે નરેશભાઈ ઉદાર હાથે દાન આપે છે. સાથે સાથે જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન સમયે ખાસ કરીને ફ્રિજનું દાન કરે છે. છેલ્લાં દસ વર્ષથી લાખો રૂપિયાની સતત મદદ કરતાં હોવાના કારણે જ આજે તેઓ સમાજમાં ભામાશા તરીકે ઓળખાય છે. નરેશભાઈએ કહ્યું,’ ડ્રાઇવરથી ડાયરેકટર પદે પહોંચવા બદલ મને ગુજરાત રત્નનો એવોર્ડ મળ્યો હતો.’ નિષ્ફળતા પછી સફળતા નિશ્ચિત છે તેમ મનાય છે પણ તેના માટે જીવનમાં ધૈર્ય જરૂરી હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે.