તબીબી જગતમાં શોકનો માહોલ…જામનગરના ફેમસ હૃદયરોગ નિષ્ણાંતનું હાર્ટ એટેકથી મોત…

જિંદગીનો કંઇ ભરોસો નથી હોતો, મોત ગમે ત્યારે આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી એવા ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં ક્રિકેટ રમતાં-રમતાં, લગ્નમાં ડાન્સ કરતાં-કરતાં, જીમ કરતાં-કરતાં, ઓફિસમાં બેઠાં-બેઠાં અને વોર્કિગ કરતાં-કરતાં યુવાનોથી લઇને વૃદ્ધોનાં મોત થયાં છે. ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે જામનગરથી. જ્યાં જ હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હૃદય હુમલાથી જ નિધન થતાં તબીબી જગતમાં આઘાતની આંધી ફેલાઇ છે.
બે કલાકની સારવાર બાદ પણ જીવ ન બચ્યો
આ દુ:ખદ ઘટનાની મળતી માહિતી મુજબ જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલ ખાતે સેવા આપતા ડો.ગૌરવ ગાંધી ગઇકાલ રાત સુધી રાબેતા મુજબ દર્દીઓની સારવાર આપવામાં વ્યસ્ત હતા અને ત્યારબાદ રાત્રે પેલેસ રોડ ખાતે આવેલા સામ્રાજ્ય એપાર્ટમેન્ટના ત્રીજા ફલોર પર પોતાના ઘરે પહોંચીને નિત્યક્રમ મુજબ ભોજન કરીને રાત્રે સૂઇ ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતાં તાત્કાલિક સગાંસંબંધીઓને બોલાવવામાં આવ્યાં હતાં અને 108 મારફત જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હદયરોગના નિષ્ણાત તબીબોએ બે કલાક સુધી સઘન સારવાર આપી હતી, પરંતુ ઘરેથી જ અત્યંત બેભાન હાલતમાં રહેલા ડો.ગૌરવ ગાંધીને બચાવી શકાયા ન હતા અને સારવાર બાદ એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ડો.ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હદયની સર્જરીઓ કરી
1982માં જન્મેલા 41 વર્ષના ડો.ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ ગંભીર હતા, કારકિર્દી દરમિયાન એમણે 16 હજારથી વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી. તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન ગાંધી, પત્ની ડો.દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને સંતાનો પુત્રી ધનવી તથા પુત્ર પ્રખરને વિલાપ કરતા છોડી ગયા છે. સંભવત સાંજ સુધીમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આમ તો કાર્ડિયાક એરેસ્ટના કારણે જ ડો.ગૌરવ ગાંધીનું નિધન થયું છે આમ છતાં સ્પષ્ટ કારણ જાણવા માટે જી.જી.હોસ્પિટલમાં પોર્સ્ટમોટમ કરવામાં આવ્યું છે જેથી કરીને કાર્ડિયાક એરેસ્ટ સંબંધે વધુ સ્પષ્ટ કારણ જાણી શકાય.
સાંજે ડો.ગૌરવ ગાંધી એકદમ નોર્મલ હતા
ગઇરાત સુધી તદ્દન નોર્મલ દેખાતા ડો.ગૌરવ ગાંધી સાથે જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર અને અધિક ડીન ડો.એસ.એસ.ચેટરજી દ્વારા સાંજે જ એક પેસેન્ટને લઇને વાતચીત કરવામાં આવી હતી, ત્યારે પણ ડો.ગૌરવ ગાંધી હંમેશની જેમ નોર્મલ હતા. આજે સવારે જ્યારે એમને કાર્ડીયાક એરેસ્ટ સંબંધે વિગતો બહાર આવતા જામનગર સહિત સૌરાષ્ટ્રભરના તબીબોમાં આઘાતની લાગણી ફેલાઇ છે.
તાજેતરમાં એક 14 વર્ષના બાળકનું પણ ક્રિકેટ રમતાં-રમતાં નિધન થયું હતું. તો થોડા સમય પહેલાં જ જામનગરમાં જોગસપાર્ક પાસે વોકિંગ કરતાં-કરતાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.મિલન ચગના ભાઇ ડો.સંજીવ ચગનું પણ કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું અને વધુ એક વખત જામનગરના તબીબી જગતને આંચકો આવ્યો છે.
ચાલતાં-ચાલતાં ઢળી પડ્યા હતા ડૉ સંજીવ ચગ
જામનગરના જોલી બંગલા રોડ ઉપર ક્લિનિક ધરાવતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ 57 વર્ષના ડૉ.સંજીવ ચગ ગત 3 માર્ચના રોજ સવારે પાર્ક કોલોનીમાં આવેલા તેના નિવાસસ્થાનથી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સેન્ટ આન્સ સ્કૂલ સામેના બેંક રોડ ઉપરથી ચાલતાં-ચાલતાં ઢળી પડ્યા હતા. જે બાદ વોકિંગમાં નીકળેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેઓને જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને પમ્પિંગ સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને મૃત જાહેર કરાયા હતા.