કિંગખાને પૂરી કરી કેન્સર પીડિતાની અધુરી ઈચ્છા, એકાએક શાહરૂખ ખાને વિડીયો કોલ કરી જણાવ્યું…

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને (Shah Rukh Khan) તાજેતરમાં 60 વર્ષીય કેન્સર પીડિત શિવાની ચક્રવર્તીની છેલ્લી ઈચ્છા પૂરી કરી હતી. તેણે તેના ચાહક સાથે વીડિયો કોલ પર વાત કરી એટલું જ નહીં, તેણે તેની સારવાર માટે આર્થિક મદદનું વચન પણ આપ્યું છે. સૂત્રોનું માનીએ તો, Shah Rukh Khan ને સોશિયલ મીડિયા દ્વારા શિવાની વિશે જાણ થતાં જ તેમનો સંપર્ક વીડિયો કોલમાં કર્યો હતો. મળેલી માહિતી અનુસાર બંને વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
શાહરૂખે કોલકાતામાં શિવાનીના ઘરે આવવાનું વચન પણ આપ્યું
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં શિવાનીની દીકરીએ શાહરૂખ સાથે કરેલા વીડિયો કોલ વિશે વિગતવાર જણાવ્યું. તેણે કહ્યું કે શાહરૂખે તેની માતા માટે પ્રાથના કરી હતી. શાહરૂખે વચન પણ આપ્યું હતું કે તે શિવાનીને મળવા કોલકાતા આવશે અને દીકરીના લગ્નમાં હાજરી આપશે. એટલું જ નહીં, શાહરૂખે કહ્યું કે તે શિવાનીના ઘરે બનાવેલી ફિશ કરી પણ ખાશે, જો તેમાં હાડકાં ન હોયતો. જ્યારથી આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, ત્યારથી ચાહકો શાહરૂખના હાવભાવની પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેને રીયલ લાઈફના કિંગ કહી રહ્યા છે.
મૃત્યુ પહેલા શાહરુખને મળવા માંગે છે શિવાની, કેન્સરના છેલ્લા સ્ટેજ પર છે
શિવાનીના કહેવા પ્રમાણે, તે મરતા પહેલા શાહરૂખ ખાનને એક વાર વાસ્તવિકતામાં જોવા માંગે છે. આ સિવાય જો શક્ય હોય તો તે પોતે શાહરૂખ માટે બંગાળી ફૂડ બનાવીને તેને ખવડાવવા માંગે છે. તે શાહરૂખ માટે ખૂબ જ સામાન્ય વસ્તુઓ કરવા માંગે છે. શિવાની ઈચ્છે છે કે શાહરૂખ તેની દીકરીને આશીર્વાદ આપે.
શિવાની હંમેશાથી શાહરૂખ ખાનની ફેન રહી છે. તેણે srkની તમામ ફિલ્મો જોઈ છે. કેન્સરની સારવાર છતાં શિવાની પઠાણને જોવા માટે થિયેટરમાં ગઈ હતી. તેણે બેડરૂમની દિવાલ પર શાહરૂખ ખાનની ઘણી તસવીરો લગાવી છે. આની સાથે જ એક્ટરની આઈપીએલ ટીમ બનાવ્યા બાદ તેને ક્રિકેટ પણ ગમવા લાગી હતી.
હકીકતમાં થોડા દિવસો પહેલા શિવાનીની પુત્રી પ્રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ચાહકોને વિનંતી કરી હતી કે તે તેની માતાને શાહરૂખને મળવામાં મદદ કરે. વીડિયો પોસ્ટ કરતા પ્રિયાએ લખ્યું- હેલો, હું કોલકાતાની પ્રિયા છું, મારી માતા છેલ્લા સ્ટેજની કેન્સરની દર્દી છે. હું દરેકને વિનંતી કરું છું કે કૃપા કરીને મારી મમ્મીને શાહરૂખને મળવામાં મદદ કરો. મને ખબર નથી કે તેની પાસે કેટલો સમય છે, કૃપા કરીને તેની છેલ્લી ઇચ્છા પૂરી કરવામાં મદદ કરો.