દરેક વાલીઓ બે મિનીટનો સમય કાઢી જરૂર જાણે! ‘ગર્ભ સંસ્કારના કારણે સુરતનું આ બાળક મોબાઈલ-ટીવીથી દુર રહે છે અને બીજાને પણ રાખે છે’

આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ, બાકી હતું તો આજની જનરેશનના બાળકોને પણ મોબાઈલ કેવી રીતે વાપરવો તેનું જ્ઞાન છે. આજના સમયમાં વાલીઓ પણ પોતાના સંતાનોને નાની ઉંમરમાં જ ફોનના રવાડે ચડાવી રહ્યા છે. જેના કારણે બાળક પર ઘણી વિપરીત અસરો થાય છે. પરંતુ સુરતનો એક એવો પરિવાર છે, જેણે પોતાના સંતાનને આધુનિક ગેજેટથી દૂર રાખ્યું હતું. આ વાત સાંભળવામાં ઘણી સહેલી લાગે પરંતુ સંતાનોને આધુનિક ગેજેટથી દૂર રાખવું ખૂબ જ કઠિન છે. પરંતુ ગર્ભ સંસ્કાર (garbha sanskar) ના કારણે આજે આ શક્ય બન્યું છે કે સંતાનો આધુનિક ગેજેટથી દૂર રહી શકે છે.
ભારતને પ્રાચીન સમયથી સાધુ સંતો અને ઋષિમુનિઓની ભૂમિ કહેવાય છે. પ્રાચીન સમયથી જ ભારતને વરદાન તરીકે યોગની દેન મળી છે. આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવવા તૈયાર છે. યોગની જેમ જ ગર્ભ સંસ્કાર પણ પ્રાચીન ભારતની જ એક દેન છે. પ્રાચીન સમયથી જ ભારતમાં એક પ્રથા છે જે બાળકના સર્વાંગી વિકાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે માતાની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિ પર ગર્ભાવસ્થા પર અસર પડે છે. જેના કારણે ગર્ભમાં વિકસિત થઈ રહેલા બાળકના વિકાસ ઉપર ઊંડી અસર થાય છે.
આવો જ અનુભવ સુરતના એક નવદંપતીને થયો હતો. આજના સમયમાં સૌથી અઘરું કામ એ છે કે, સંતાનોને આધુનિક ગેજેટ્સથી દૂર રાખવા… પરંતુ સુરતના આ દંપતીએ આ વાત સાચી સાબિત કરી બતાવી છે. તેમનો ત્રણ વર્ષનો દીકરો આજે પણ મોબાઈલ અને આધુનિક ગેજેટ્સથી જાતે જ દૂર રહે છે.
ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે વેદ અને આર્યુવેદ જેવા ગ્રંથોમાં ગર્ભ સંસ્કારનો ખ્યાલ ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમકે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ શાંત સંગીત સાંભળવું, વૈદિક મંત્રોનો જાપ કરવો, પ્રાર્થના કરવી, એકાગ્રતા વધારવા ક્રાફ્ટિંગ વગેરે કરવું, આધ્યાત્મિક ગ્રંથો વાંચવા, મેડીટેશન કરવું અને સાથે સાથે જ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવી… આ દરેક અલગ અલગ એક્ટિવિટી ગર્ભમાં વિકસિત થઈ રહેલા બાળકના સ્વાસ્થય અને વિકાસ પર સકારાત્મક પ્રભાવ પાડે છે. પ્રાચીન સમયથી જ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રથાઓ બાળકની બુદ્ધિ, વ્યક્તિત્વ અને ચરિત્રમાં ખૂબ જ વધારો કરે છે.
અન્ય બાળકોને પણ મોબાઈલથી દૂર રહેવાની સલાહ
ઉપર જણાવેલી આ દરેક એક્ટિવિટી મોટેભાગે દરેક ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં કરાવવામાં આવે છે. જેનું પરિણામ દરેક માતા પિતાને મળી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા બીના રાકેશ ભલાળાને સંતાનમાં ત્રણ વર્ષનો દીકરો છે. તેમણે પણ ગર્ભ સંસ્કારના આ ક્લાસ કર્યા હતા. જેના પરિણામ રૂપે તેમનો ત્રણ વર્ષનો દીકરો નિવાન આજે પણ આધુનિક ગેજેટ્સથી મિલો દૂર છે. બીના ભલાળાએ ગર્ભાવસ્થા દરમિયાન મોબાઈલ અને ટીવી થી દૂર રહ્યા હતા, તેઓ ઇચ્છતા હતા કે તેમનું સંતાન પણ આજ કરે. પરંતુ અચરજ ની વાત તો એ છે કે, આજે તેમનું સંતાનતો મોબાઈલ અને ટીવી થી દૂર જ રહે છે, પરંતુ સાથે સાથે અન્ય બાળકોને પણ મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાની સલાહ આપે છે.
માતા બીનાબેને જણાવ્યું કે, મારો દીકરો મોબાઇલ કે ટીવીથી દુર જ રહે છે. આટલું જ નહીં તેની ઉંમરના બીજા બાળકો હાથમાં મોબાઈલ પકડે તો, તેને પણ કહે છે આપણી ઉંમર આ મોબાઈલ રમવાને લાયક નથી. એટલે મૂકી દે. બીના બહેને વધુમાં કહ્યું હતું કે, જ્યારે તે બે વર્ષનો હતો ત્યારથી જ દરેક શાક રોટલી ખાવા લાગ્યો હતો.