અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક, આ તારીખ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, ખાસ જાણો શું કહ્યું?

ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આ વરસાદ રાહત આપે તેવું લાગતું નથી. કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ચિંતાજનક છે.
શું આગાહી કરી છે અંબાલાલે?
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, હજી પણ રાજ્યમાં ભારે વરસાદના વાદળો ઘેરાયેલા છે. આકાશ ભલે કોરું લાગે, પણ ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જશે તેની ખબર નહીં પડે. ભારે વરસાદ લોકો માટે આફત લાવશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર લાવશે. હવે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્યાર બાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે તે સૂચક ઘટના ઘટાવશે. આ ચોમાસુ અનિયમિત રહેશે, અનિશ્ચિતતા રહેશે.
હજુ પણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં હજુ પણ આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં શનિવારે 96 ટકા અને રવિવારે 80 ટકા શક્યતા છે કે અતિભારે વરસાદ પડી શકે છે. શુક્રવારની જેમ શનિવારે પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો કે હાલની સ્થિતિ આગામી મંગળવારથી ગુરુવાર વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના નથી. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે.
24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ પડ્યો, 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો. કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદથી NDRFની ટુકડીઓએ સંભાળ્યો મોરચો. જૂનાગઢ અને જામનગરમાં SDRFની 1-1 ટીમ તહેનાત કરાઈ છે.
વરસાદથી 11ના મોત
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. પંચમહાલમાં 4, આણંદ અને બોટાદમાં 2, જામનગર અમરેલી અને અરવલ્લીમાં 1-1નું મૃત્યુ થયા છે.