21 વર્ષીય IT એન્જિનિયર ગરીબ ભૂલકાઓને આપી રહી છે અક્ષરજ્ઞાન, રાષ્ટ્રગાન સાથે તો પૂરા કરવામાં આવે છે ક્લાસ…

દરેકનો શિક્ષણ પર પૂરતો હક છે. આ બાળકોને કંઈક શીખવીને મને આત્મસંતોષ મળે છે. મેં જ્યારે આ ઝુંબેશ શરૂ કરી હતી ત્યારે શરૂઆતમાં મને ખૂબ જ સંકોચ થતો હતો અને મગજમાં એવા વિચારો પણ આવતા હતા કે શું હું આ કરી શકીશ?
ત્યારે મને મારા અંતરાત્મા તરફથી એટલો જ જવાબ મળતો હતો કે જો મેં સારું શિક્ષણ મેળવ્યું તો આ બાળકોને કેમ નહિ? બસ, આ એક જ હેતુએ મને બે વર્ષ પહેલાં આ ક્લાસીસ શરૂ કરવા માટે પ્રેરણા આપી હતી.
ધીમે-ધીમે નાના-મોટા કરીને અત્યારે 12 બાળકો અમારી પાસે રોજ આવે છે. હવે એ મારાથી દૂર ભાગતાં નથી અને હું જે ભણાવું છું કે જે પણ કામ આપું છું એ તેઓ દરરોજ પૂરું કરીને લાવે છે.
આ વાત કરનાર ન તો કોઈ શિક્ષક છે કે ન તો કોઈ સામાજિક કાર્યકર્તા, પરંતુ સુરતના મોટા વરાછા ખાતે આવેલી સ્કાઇલાઈન બિલ્ડિંગમાં રહેતી 21 વર્ષીય એન્જિનિયર જાનવી ભૂવાની છે, જેણે ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડવાનો સંકલ્પ લીધો છે.
ગરીબોનાં બાળકોનાં જીવનનું શું?
રસ્તા પર કે ઓવરબ્રિજ નીચે આશરો મેળવીને જીવન ગુજારતાં ગરીબોનાં બાળકોનાં જીવનનું શું? આ બાળકોના અક્ષરજ્ઞાનનું શું..? આવા ગંભીર વિચારોની સાથે સુરતની 21 વર્ષીય આઈટી એન્જિનિયર યુવતીએ ગરીબ બાળકોનાં જીવનધોરણને સુધારવા રસ્તા પર બેસીને શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કર્યો.
છેલ્લાં બે વર્ષથી રોડ પર જ બેસીને ગરીબ બાળકોની સાથે ગમ્મત કરતાં-કરતાં તેમને અક્ષરજ્ઞાનથી લઈને શાળાઓમાં થતી પ્રવૃત્તિઓ કરાવે છે અને માનવતાની સાથે જ દેશની સેવામાં પણ અભૂતપૂર્વ ફાળો આપે છે.
ફક્ત આટલું જ નહિ, તેણે તો ત્યાં સુધી તૈયારી દર્શાવી છે કે જો ભવિષ્યમાં કદાચ તે આ બાળકોને શિક્ષણ પૂરું પાડવા અહીં સુધી નહિ આવી શકે તો ત્યારે કોઈક જવાબદાર વ્યક્તિને આ જવાબદારી સોંપી દેશે અથવા તો આ બાળકો માટે શાળા કે હોસ્ટેલની વ્યવસ્થા કરી આપશે.
તક્ષશિલાની સામે બાળકોને શિક્ષણ આપે છે
મોટા વરાછા ખાતે આવેલી સ્કાઈલાઈન બિલ્ડિંગમાં રહેતી જાનવી ભૂવા, જે પોતે આઈટી એન્જિનિયર છે, તે ગરીબ બાળકોના ભવિષ્યને લઈને હંમેશાં ચિંતાતુર રહેતી. બે વર્ષ પહેલાં જ તેને એક વિચાર આવ્યો ને તેણે તરત જ અમલમાં લાવ્યો.
ગરીબોનાં બાળકોને આગળ વધારવા માટે તેણે સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા બિલ્ડિંગની સામે રોડ પર જ રહેતાં બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આ સમયે મેં ફક્ત એટલું જ વિચાર્યું હતું કે અમે સારું શિક્ષણ મેળવ્યું તો આ બાળકોને કેમ ન નહિ? અને આ હેતુથી જ ક્લાસની શરૂઆત કરી.
એક્સ્ટ્રા ક્લાસીસ પણ લઉં
જાનવી કહે છે કે જ્યારે આ ઝુંબેશની શરૂઆત કરી ત્યારે મને પણ સંકોચ થતો કે આ બાળકોને હું કેવી રીતે શિક્ષિત કરીશ? અને આ જ પ્રકારનો સંકોચ બાળકોના વાલીઓને પણ થતો કે શું બાળકોને મારી પાસે શિક્ષા માટે મોકલવા કે નહિ?
જોકે મેં હિંમતપૂર્વક શરૂઆત કરી અને ધીમે-ધીમે તેઓ તરફથી પણ મને સહકાર મળવા લાગ્યો. આજે નાના-મોટા કરીને 12 જેટલાં બાળકો મારી પાસે રોજ આવે છે. આ બાળકોના વાલીઓને પણ જે મૂંઝવણ હતી એ દૂર થઈ ને બાળકો રેગ્યુલર મારી પાસે આવવા લાગ્યાં.
આ ઝુંબેશ મારા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ. જે પણ દિવસે ત્યાં અભ્યાસ કરાવવા ન જઈ શકું તેના બીજા દિવસે હું એક્સ્ટ્રા ક્લાસીસ પણ ચલાવી લઉં, જેથી મને આત્મસંતોષ મળે.
દેશ જવાની ઈચ્છા, પણ જવાબદારી સોંપીને જઈશ
ઓવરબ્રિજ નીચે રોજ જામતી આ જ્ઞાનની ધારામાં ક્યારેક જાનવીને રજા પડે તો શું થાય? એ અંગેના પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘અમૂક બાળકો છેલ્લાં 2 વર્ષથી સતત ભણે છે. તેઓ તરત જ સવાલ કરે કે તમે ગઈકાલે કેમ નહોતાં આવ્યાં. ત્યારે મને વધુ બળ મળે કે મારે આ કામ કર્યે જ રાખવાનું છે. મારી ઈચ્છા વિદેશ જવાની છે ત્યારે હું કોઈકને આ જવાબદારી સોંપી દઈશ અથવા તો આ બાળકો માટે શાળા કે હોસ્ટેલની વ્યવસ્થા કરીશ.’
રાષ્ટ્રગીત સાથે ક્લાસ પૂરા કરવામાં આવે છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘ઓવરબ્રિજ નીચે વાહનોના અવાજ અને હોર્ન વાગતા હોય તોપણ એકાગ્રતાથી ભણતાં આ બાળકોના અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી થાય છે અને તેમનાં દૈનિક કાર્યો વિશે પૂછપરછ થયા પછી જ ભણાવવાની શરૂઆત કરવામાં આવે છે.
આ પછી અક્ષરજ્ઞાન અપાય અને ગેમ રમાડવામાં આવે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ રૂટિન ફોલો કરવા પાછળનો હેતુ બાળકો સારા નાગરિકો બને એવી ભાવના સાથે આ પ્રકારની એક્વિટી સાથે ક્લાસને પૂર્ણ કરવામાં આવે.
રસ્તા પર જતા લોકો કંઈ ને કંઈ આપીને જાય છે
જાનવીએ છેલ્લે જણાવ્યું હતું કે મારા આ ક્લાસમાં રસ્તા પર અવરજવર કરતા લોકોનો પણ ભરપૂર સહયોગ મળી રહે છે. રસ્તા પરથી નીકળતા લોકો કંઈક ને કંઈક સહયોગ આપે છે. કોઈ ચોપડા આપી જાય છે તો કોઈ પેન્સિલ, નોટબૂક. જે લોકોથી જે સહયોગ થઈ શકે એ આપવામાં આવે છે.
દરરોજના એક કલાકથી લઈને ત્રણ કલાક સુધી આ બાળકોને ભાર વગરનું ભણતર અપાય છે. આ રોડશાળામાં બાળકોને અભ્યાસ કરતા જોઈને તેના વાલીઓની આંખોમાં પણ સંતોષ અને આભારની લાગણીઓ જોવા મળે છે.