ગુજરાતમાં આ જગ્યાએ ૧૧૭ વીઘામાં રામાયણની થીમ પર બન્યું પહેલું “રામ વન”, ઘર બેઠા જ તસ્વીરોમાં જુઓ “રામ વન” ની તસ્વીરો

ભારતમાં ઘણી જગ્યાએ ભગવાન શ્રી વિષ્ણુનાં અવતાર શ્રી રામની નવી મુર્તિઓને સ્થાપિત કરવામાં આવી રહી છે. તેની યાદોમાં તેની નિશાનીઓને રાખવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામનું આખા ભારતમાં આવાગમન થયું હતું.હવે ગુજરાતમાં તેમનાં નામ પર એક વન તૈયાર કરવામાં આવ્યું છે, જે “રામ વન” તરીકે ઓળખાશે. અહીં ભગવાન શ્રી રામનાં વનવાસની ઘટનાઓ દર્શાવવામાં આવી છે. એક ખુણા પર ભગવાન શ્રી રામની ૩૦ ફુટ ઉંચી વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, જે હવાઈ મુસાફરી દરમિયાન ઘણા કિલોમીટર દુર થી જોઈ શકાય છે.
આ સ્થળ ગુજરાતનાં રાજકોટનાં અર્બન ફોરેસ્ટમાં આવેલું છે. રામવનનું નિર્માણ ૪૭ એકરમાં એટલે કે ૧૧૭ વીઘા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ રામવનને જોવા પર એવું લાગે છે કે જાણે તમે કોઈ સીરિયલનાં શુટિંગ સેટ પર આવી ગયા છો. મુર્તિઓની સુંદરતા ઉપરાંત તેની હરિયાળી મન મોહી લે છે. નજીકમાં એક મોટું તળાવ પણ છે. ૧૫ કરોડનાં ખર્ચે તૈયાર થયેલા આ વિશાળ પ્રોજેક્ટમાં રામાયણનાં ૨૫ અલગ અલગ પ્રસંગો દર્શાવતી પ્રતિમાઓને પણ સ્થાપિત કરવામાં આવી છે.
પ્રવેશ દ્વારનો આકાર પણ રામચંદ્રજીનાં ધનુષ જેવો છે. અહીં શ્રી રામ-લક્ષ્મણનો શબરી સાથેનો પ્રસંગ, હનુમાનજીનાં સંજીવની પર્વતનો પ્રસંગ, શ્રી રામ દરબારની સંપુર્ણ પ્રતિમા, ભગવાન શ્રી રામ અને ભરત મિલનની ઝાંખી, જટાયુ સાથેનો પ્રસંગ, રામ અને સીતા સાથેનો હરણનો પ્રસંગ, શ્રી રામ અને કેવટનો પ્રસંગ, શ્રી રામ અને સુગ્રીવની મુલાકાત અને સાથે જ રામસેતુનો પ્રસંગ પણ અલૌકિક રીતે દર્શાવવામાં આવેલ છે.
રાજકોટનાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટની જનતાને સારી વ્યવસ્થા મળે તે માટે પાલિકા પુરતા પ્રયાસ કરી રહી છે. રાજકોટનું એક નવું નજરાણું એટલે રામ વન. ખાસ કરીને પ્રવાસીઓ અને રાજકોટનાં રહેવાસીઓ ચાલી શકે તેનાં માટે “રામ વન” માં ઇલેક્ટ્રિક કારની સુવિધાની સાથે જ વિવિધ પ્રસંગોનાં દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર રામાયણના કાર્યક્રમો માટે જ નહીં પરંતુ અહીં આવતા પ્રવાસીઓ માટે પણ “રામ વન” માં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
“રામવન” ને પ્રવાસન સ્થળ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. “રામ વન” મોટી જગ્યામાં બનાવવામાં આવ્યું છે અને તે સંપુર્ણ રીતે સીસીટીવીથી સજ્જ છે. તેની સાથે જ સમગ્ર “રામ વન” માં રામ ધુન વગડે એવી રીતે સ્પીકર પણ મુકવામાં આવ્યા છે. આજીડેમ નજીક કિશન ગૌશાળાની સામે તૈયાર કરવામાં આવેલા આ વન ની એક ખાસિયત એ પણ છે કે શ્રી રામના ૧૪ વર્ષનાં વનવાસની ઘટનાઓને અહીં આબેહુબ રીતે રજુ કરવામાં આવી છે.
આ ઉપરાંત તેમનાં જીવન ઇતિહાસ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓની ઝલક પણ તમે જોઈ શકશો. અહીં ઋષિમુનિઓની યોગ સાધનાની મુદ્રાઓની શિલ્પો પણ રાખવામાં આવી છે. ભગવાન શ્રી રામનાં રાજ્યાભિષેકની મુર્તિઓ પણ અહિયા મુકવામાં આવી છે. તેની બાજુમાં જ એક નાનું તળાવ પણ છે, ત્યારબાદ એક મોટું તળાવ છે જ્યાં ભગવાન શ્રી રામ અને શબરીનું સંગમ છે. તેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર “રામ વન” આગામી જન્મ જયંતી સુધીમાં ખુલે તેવી સંભાવના છે. બાકીનું કામ હાલમાં પુર્ણ થઈ રહ્યું છે.